અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટની અસર હજુ પણ અદાણી ગ્રુપ પર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે છેલ્લા 20 દિવસથી ભારે નુકસાનનો સામનો કરી રહેલ અદાણી ગ્રુપે શોર્ટ સેલર ફર્મ સાથે આર-પારની કાનૂની લડાઈ લડવાની તૈયારી સાથે ડેમેજ કંટ્રોલ પર પણ એમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલ અદાણી ગ્રુપ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે લોન ચૂકવવાથી લઈને ખર્ચમાં રોકડ બચાવવા સુધીની દરેક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. શેરમાં આવેલ ઘટાડાને કારણે હવે અદાણી ગ્રૂપે હવે તેના રેવન્યુ ગ્રોથનો ટાર્ગેટ 40 ટકાથી ઘટાડીને લગભગ અડધો કરી દીધો છે.
15-20% રેવન્યુ ગ્રોથનું અનુમાન!
જણાવી દઈએ કે ગયા મહિને 24 જાન્યુઆરીના રોજ બહાર પાડેલ હિંડનબર્ગ રિપોર્ટની અદાણી ગ્રુપપર એટલી તાત્કાલિક અસર થઈ હતી કે ત્યારથી લઈને અત્યાર સુધી તેને રોજેરોજ ભારે નુકસાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે રિપોર્ટ બહાર પડ્યા પછી 88 ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને અત્યાર સુધીમાં અદાણી ગ્રુપ માર્કેટ કેપમાં $117 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે. શેરમાં આવેલા જોરદાર ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પર ખરાબ અસર પડી હતી. એક અહેવાલ મુજબ અદાણી જૂથ આગામી નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિ લક્ષ્યાંકને અગાઉના 40 ટકાના અંદાજથી ઘટાડીને 15 થી 20 ટકા કરી શકે છે.
ગીરવે મુકેલા શેરને છોડાવવાની તૈયારી
હિંડનબર્ગના વાવાઝોડામાંથી બહાર નીકળવા માટે અદાણી જૂથ દ્વારા ઘણું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેવાની ચુકવણી, રોકડની બચત, મૂડી ખર્ચ યોજનામાં ઘટાડો અને ગીરવે મૂકેલા શેરનું રિડેમ્પશન પણ સામેલ છે. આ સાથે જ અહેવાલ મુજબ અદાણી જૂથની ત્રણ કંપનીઓએ તેમના વધારાના શેર બેંકો પાસે ગીરવે મૂક્યા છે પણ હવે તેને છોડાવવા માંએ અદાણી ગ્રુપ દ્વારા એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે કંપનીઓના શેર ગીરવે મુકવામાં આવ્યા છે તેમાં અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થાય છે.
હિંડનબર્ગ સામે કાનૂની લડાઈ માટે પણ તૈયાર છે અદાણી ગ્રુપ
હિંડનબર્ગના રિપોર્ટ દ્વારા થયેલ નુકસાનથી બહાર આવવા માટે અદાણી ગ્રુપ તેની પૂરતી કોશિશ કરી રહ્યું છે. અહેવાલ અનુસાર હાલ અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી એક સામાન્ય ઓડિટ માટે 'બિગ ફોર' (Deloitte, EY, KPMG અને PwC) એકાઉન્ટીનગ ફર્મમાથી એકને નિયુક્ત કરવાની તૈયારી કરી રહ્યા છે અને એ સાથે જ શોર્ટ સેલર ફર્મ સામે કાનૂની જંગ માટે એમને અમીરેકની મોટી લો ફર્મ વૉચલેટ (Wachtell)ને પસંદ કરી લીધું છે.
સોમવારે પણ શેરોમાં ઘટાડો ચાલુ
અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. જણાવી દઈએ કે અદાણી પાવર લિમિટેડનો શેર 4.99 ટકા ઘટીને રૂ. 156.00, અદાણી વિલ્મર લિમિટેડનો શેર 1.48 ટકા ઘટીને રૂ. 429.45, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો શેર 5 ટકા ઘટીને રૂ. 688.05, અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 4.99 ટકા ઘટીને રૂ. 601 થયો હતો. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને એસીસી લિમિટેડના શેર પણ અનુક્રમે રૂ. 360.65 અને રૂ. 1,870.00ના લીવર પર લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.