આજે સમગ્ર રાજ્યભરમાં રામનવમી નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. પાવન અવસર પર વડોદરા શહેરમાં પણ ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરમાં ભગવાન રામની રથયાત્રા નીકળી હતી. જેના પર સવારના સમયે કાંકરીચાળો કરવામાં આવ્યો હતો. ફતેપુરામાંથી રામની શોભાયાત્રા નીકળે તે પહેલા જ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ સાંજના સમયે વધુ એક વખત પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં ભગવાન રામની રથયાત્રા નીકળી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રથયાત્રા પર કાંકરીચાળો કરવામાં આવ્યો હતો. સવારે ભગવાન રામની નીકળેલી રથયાત્રા પર પથ્થરમારા બાદ કુંભારવાડા યુવક મંડળ દ્વારા કાઢવામાં આલી રથયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કમિશ્નરની હાજરીમાં કાંકરીચાળો થતાં ટિયરગેસનો શેલ છોડી તોફાનીઓને ભગાડ્યા હતા.
મહત્વનું છે કે,કુંભારવાડ યુવક મંડળ દ્વારા કાઢવામાં આવેલી રથયાત્રામાં સાંસદ રંજબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ હાજર હતા. તે સમયે અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ પર પણ પથ્થમારો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા આ તમામ અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અસામાજિક તત્વો દ્વારા વાહનોને નુકસાન પહોંચાડ્યા બાદ મસ્જિદમાં આસરો લેતા પોલીસ દ્વારા મસ્જિદમાં જઈ તોફાની તત્વોને પકડી પાડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
રથયાત્રા પર પથ્થરમારો થતા આ અંગે મેયર નિલેશ રાઠોડ જણાવે છે કે, જે પણ આ અસામાજિક તત્વોએ આ કર્યું છે. તેમને છોડવામાં નહિ આવે. આજે આખો દેશ પ્રભુ શ્રીરામના જન્મદિવસની ભક્તિભાવથી ઉજવણી કરી રહ્યો છે. ત્યારે સંસ્કારી નગરીમાં જેણે પણ આ કાર્ય કર્યું છે. તેમને છોડવામાં નહિ આવે. અમને જેવી ખબર પડી અમે બધુ છોડીને શહેર અધ્યક્ષ, મહામંત્રી અને ચેરમેન સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા છે. જે કોઈએ પણ આ કર્યું છે તેમને છોડવામાં નહિ આવે.